પર્યુષણ પર્વ વિષે સ્પષ્ટતા
આત્મા સ્વભાવથી જોતા પવિત્ર હોવા છતાં, એના પરિણામમાં રાગાદિ વિભાવભાવોની ઉષ્ણતા જીવને અજ્ઞાન દશામાં ચાલુ રહે છે. જીવને આકૂળતારૂપ દુઃખનો અનુભવ થાય છે એટલે પવિત્ર આનંદ સ્વભાવી આત્માને ઉષ્ણતારૂપ રાગદ્વેષના ભાવોથી, ભેદજ્ઞાન વડે બચાવવા સંતો ભલામણ કરે છે, એટલે ઉષ્ણતારૂપ રાગાદીથી છૂટવા માટે પવિત્ર શુદ્ધાત્માના આશ્રયમાં, જ્ઞાનાદિ સાધનને ઢાળવા, પ્રયત્ન કરવો જરૂરી છે.
આત્માનો મૂળ સ્વભાવ શુદ્ધ છે પણ પરિણામમાં ભૂલ હોવાથી, પરના લક્ષે રાગાદિ વિભાવભાવો ઉપજતા જીવને બંધન થાય છે. પરિણામમાં દુઃખનો અનુભવ થાય છે. એને પરિણામની ઉષ્ણતા થતી હોવાથી, એ ઉષ્ણતારૂપ દુઃખથી છૂટવા માટે, પવિત્ર શુધ્ધાત્મ સ્વભાવનો આશ્રય લેવાથી ઉષ્ણતા છૂટીને, સ્વભાવિક સહજ નિરાકૂળ શાંતિનો સ્વાનુભવ પ્રાપ્ત થાય છે. રાગદ્વેષના ભાવોથી જીવને દુઃખનો અનુભવ થાય છે. જ્યાં સુધી શુભાશુભ રાગ જ્ઞાનમાં અટકેલું રહે છે ત્યાં સુધી તેને આકૂળતારૂપ વેદનનો અનુભવ થાય છે. આ ભૂલ જૈનકુળમાં આવીને, જ્ઞાનીનાં ઉપદેશ દ્વારા સમજણ કેળવીને, છૂટી શકાય છે. સ્વ-પરની જુદાઈ જાણીને, ભેદજ્ઞાન વડે સ્વભાવના આશ્રયમાં ઢળીને એમાં જોડાવાથી, ઉષ્ણતાનું દુઃખ છૂટીને, સહજ આનંદની પ્રાપ્તિ થાય છે. એને સમ્યગ્દર્શનની – સત્ય દર્શનની પ્રાપ્તિ થાય છે. આ આત્મદર્શન પ્રાપ્ત કરવાની કળા છે. પરના લક્ષે થયેલા રાગના ભાવથી ભેદજ્ઞાન કરીને, નિજસ્વભાવના આશ્રયમાં જ્ઞાનને જોડતા, શુદ્ધ ઉપયોગરૂપ પરિણમન થવા લાગે છે, તેને ધર્મના પરિણામ પ્રગટ્યા કહેવાય છે. તે પર્યુષણ ઉજવ્યા કહેવાય. ખાલી શુભક્રિયા અને શુભભાવમાં રોકાવાથી અજ્ઞાન સહીત મિથ્યાત્વનું પાપ ચાલુ રહે છે. આ પર્યુષણ પર્વ તો મિથ્યાત્વથી છૂટવા માટે આવે છે. આપણને પરાશ્રયથી, રાગાદીથી છૂટવા માટે સ્વભાવને ઉપાદેય કરીને, સ્વભાવમાં જોડાવાથી છૂટી શકાય છે. એકલી ક્રિયા ને પૂજા ભક્તિથી પુણ્યબંધ થાય છે, પણ મિથ્યાત્વનો દોષ ચાલુજ રહે છે. જિનસિંદ્ધાંતથી વિરુદ્ધ પ્રવૃત્તિ થવી તેને મિથ્યાત્વરૂપ દોષ લાગે છે. આપણો આત્મા અનાદિથી ખબર વિના મિથ્યાત્વરૂપજ પરિણમ્યા કરે છે, એને લીધે મિથ્યાત્વનો દોષ લાગે છે. મિથ્યા એટલે જૂઠી અથવા વિપરીત માન્યતા.
આ પર્યુષણ બાબત આત્મા સબંધીની અનાદિની ચાલી આવતી ભૂલમાંથી છૂટવા માટે ભેદજ્ઞાન વડે પર્યાયને ગૌણ કરીને, ત્રિકાળી સ્વભાવમાં જ્ઞાનાદિને જોડતા, શુદ્ધ ઉપયોગરૂપ નિર્મળ પરિણામ પ્રગટ થાય છે એને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઇ કહે છે. આ માનવભવ સમ્યક્ત્વ પ્રાપ્તિ માટે મળ્યો છે. આ મનુષ્યભુવ, જૈનકુટુંબ ને જૈનધર્મ જીવને મહાભાગ્યે મળ્યો છે, તેનો સાચો ઉપયોગ કરનારને મિથ્યાત્વના પાપથી છૂટીને, અપૂર્વ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો જન્મ થાય છે. પર્યુષણ પર્વ શ્રી મહાવીર પ્રભુના કેવળજ્ઞાન – અરિહંત દશા ને છેલ્લે સિદ્ધ દશાને સ્મરણમાં લઈને, તેમના બતાવેલા માર્ગે ચાલવા પ્રયત્ન કરવો, તેનેજ પર્યુષણ પર્વની આરાધના સાચી કરી કહેવાય છે. બહારની શુભક્રિયામાં રોકાઈને, પર્યુષણ ઉજવ્યા કહેવાય નહિ. એમાં તો મિથ્યાત્વરૂપ પાપનું જ સેવન થાય છે. કર્તાબુદ્ધિ શલ્ય દઢ થાય છે. જૈનધર્મ સૂક્ષ્મ છે. અંતરમાં ઢળીને ભેદજ્ઞાન વડે રાગથી છૂટું પડીને, સ્વભાવમાં જોડાવાથી ધર્મની શરૂઆત થાય છે.
અંતરમાં જ્ઞાનપર્યાયની પાછળ, ધ્રુવ નિજપરમાત્મા બિરાજે છે, એને દૃષ્ટિમાં લઈને, ધ્યાનથી એકાગ્રતાનો પ્રયાસ કરતા, સ્વભાવ અનુસાર શુદ્ધ ઉપયોગ પર્યાયમાં વહેવા લાગે છે, તેને સમ્યગ્દર્શનાદિ નિશ્ચય રત્નત્રય કહેવાય છે. સ્વાભાવિક ધર્મના પરિણામ પ્રગટ્યા કહેવાય છે. અરે! જીવોને પોતાના આત્માની દરકાર નથી. સત્ય હિતની વાત ધ્યાનથી સાંભળવા – સમજવા તૈયાર નથી, આમજ જૂની રીત મુજબ દીધે જાય છે. આવો મોંઘો, મહાભાગ્યે મળેલો માનવભવ વેડફાય છે એની જીવને ખબર નથી. શુષ્ક સમજ વિનાની શુભક્રિયામાં અટકીને મનને મનાવી લેવાથી ધર્મ થતો નથી.
બહારની ક્રિયાથી ખસીને ત્રિકાળી સ્વભાવમાં, જ્ઞાનાદિ આત્મા તરફ લક્ષ કરે તેને સાચું પ્રતિક્રમણ કર્યું કહેવાય.
લિ. પ્રેમચંદ મેઘજી શાહ, હાઉન્સલૉ